

મોરબી: પશુ સેવા ક્ષેત્રે કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સે પોતાની સેવાના 9 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્ષ 2017થી અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 37,116 પશુઓની ઘટનાસ્થળે જ સારવાર કરવામાં આવી છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 4,343 પશુઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 3,364 કૂતરા, 739 પશુધન, 136 બિલાડી અને 73 કબૂતરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 31 અન્ય પશુ-પક્ષીઓની પણ સારવાર કરવામાં આવી હતી, જેમાં પોપટ, ચકલી, ઊંટ સહિતના વિવિધ જીવોનો સમાવેશ થાય છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મોરબી જિલ્લામાં સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વર્ષના 365 દિવસ કાર્યરત રહે છે. ઈજાગ્રસ્ત, બીમાર તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા પશુઓને ઘટનાસ્થળે જ સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં 15 હરતું-ફરતું પશુ દવાખાનાં કાર્યરત
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને હરતું-ફરતું પશુ દવાખાનાના પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાને જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોને તેમના પશુઓની સારવાર માટે ઘરઆંગણે જ પશુચિકિત્સા સેવા મળી રહે તે હેતુથી હરતું-ફરતું પશુ દવાખાનાં કાર્યરત છે.
મોરબી જિલ્લામાં હાલમાં કુલ 15 હરતું-ફરતું પશુ દવાખાનાં કાર્યરત છે. આ દવાખાનાં દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2,99,524 પશુઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે.
હરતું-ફરતું પશુ દવાખાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહે છે. આ સેવા દ્વારા ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને તેમના પશુઓ માટે સમયસર અને સરળતાથી પશુચિકિત્સા સેવા ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

