રાજ્યકક્ષાની જુડો સ્પર્ધા માટે હળવદ તક્ષશિલા સંકુલના 46 ખેલાડીઓની પસંદગી

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 52માંથી 46 ગોલ્ડ મેડલ જીતી તક્ષશિલાએ સર્જ્યો નવો વિક્રમ વિવિધ વયજૂથમાં શાનદાર પ્રદર્શન, રાજ્યકક્ષામાં પણ શ્રેષ્ઠ દેખાવની અપેક્ષા

 

હળવદ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, મોરબીના આયોજન હેઠળ 70મી અખિલ ભારતીય શાળાકીય રમતો અંતર્ગત જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધા હળવદ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં તક્ષશિલા વિદ્યાલય, હળવદ (ઇન-સ્કૂલ યોજના)ના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે કુલ 46 ખેલાડીઓની પસંદગી કરાવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

સ્પર્ધામાં અંડર-14 ભાઈઓ વિભાગમાં ખેલાડીઓએ 5 ગોલ્ડ અને 2 સિલ્વર, અંડર-14 બહેનો વિભાગમાં 6 ગોલ્ડ અને 1 સિલ્વર, અંડર-17 ભાઈઓ વિભાગમાં 10માંથી 8 ગોલ્ડ, અંડર-17 બહેનો વિભાગમાં 9માંથી તમામ 9 ગોલ્ડ, અંડર-19 ભાઈઓ વિભાગમાં 10માંથી તમામ 10 ગોલ્ડ તેમજ અંડર-19 બહેનો વિભાગમાં 9માંથી 8 ગોલ્ડ મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુલ 52 ગોલ્ડ મેડલમાંથી 46 ગોલ્ડ મેડલ તક્ષશિલા વિદ્યાલયના ખેલાડીઓએ પોતાના નામે કર્યા, જ્યારે બાકીના 6 ગોલ્ડ અન્ય શાળાઓના ફાળે ગયા હતા. તક્ષશિલાના આ પ્રભુત્વપૂર્ણ પ્રદર્શનને રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ સિદ્ધિ પાછળ ઇન-સ્કૂલ યોજનાના કોચ પૂજાબેન ઓરા અને પ્રકાશભાઈ જોગરાણાનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું. ખેલાડીઓની સફળતા બદલ શાળાના મેનેજમેન્ટ ડાયરેક્ટર મહેશભાઈ પટેલ તથા ટ્રસ્ટી રમેશભાઈ કૈલાએ તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

 

મયુર રાવલ.હળવદ

 

Leave A Reply

Your email address will not be published.