

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ સવાર યુવાનને જોરદાર ઠોકર મારતા ગંભીર ઈજાઓના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકની માતાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત મુજબ, વજેપર વિસ્તારમાં રહેતા મધુબેન રાજેશભાઈ વડેચાના પુત્ર ધ્રુવ પોતાનું મોટરસાયકલ નંબર GJ-36-AN-4297 લઈને લાલપર પાસે શૈલેષ કાંટા સામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળું વાહન બેફામ અને ગફલતભરી રીતે ચલાવી ધ્રુવના મોટરસાયકલને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ધ્રુવને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


