

વાંકાનેરમાં અગાઉ મિત્રની બોલાચાલીમાં વચમાં પડેલા યુવક પર જૂનો ખાર રાખી એક શખ્સે ગાળો આપી છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે યુવકની ફરિયાદના આધારે હુમલાખોર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા સાગરભાઈ ભુપતભાઈ પાટડીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના મિત્રને અગાઉ શુભમ ભાટી (રહે. વીશીપરા, વાંકાનેર) સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે સાગરભાઈ પોતાના મિત્રનું ઉપરાણું લઈને વચ્ચે પડ્યા હતા. આ બાબતનો ખાર રાખી શુભમ ભાટીએ દાણાપીઠ રોડ પર કિસ્મત ફરસાણ પાસે સાગરભાઈને અટકાવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ત્યારબાદ પોતાની પાસે રહેલી છરી વડે સાગરભાઈને ડાબા હાથે બે ઘા મારી લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.