મકાનના દસ્તાવેજ મુદ્દે ચાલતી ઝપાઝપીમાં પિતાને બચાવવા જતા પુત્ર પર તલવાર અને છરી વડે હુમલો

મોરબીના ઋષભનગર વિસ્તારમાં મકાનના દસ્તાવેજ બાબતે ચાલી રહેલી અદાવતમાં તલવાર, છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ઘટનાની વિગતો મુજબ, મોરબી-૦૨ માં રહેતા અને ટ્રેડિંગનો ધંધો કરતા કલ્પેશભાઈ ભૂપતભાઈ રવેશીયાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા, ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી સાંજના સમયે પોતાના ઘર પાસે હતા. તે દરમિયાન પિતા ભૂપતભાઈ સાથે મકાનના દસ્તાવેજ બાબતે જૂની અદાવત રાખનાર રાજેન્દ્રસિંહ દનુભા જાડેજા, તેનો દીકરો ઓમદેવસિંહ તથા એક અજાણ્યો શખ્સ કાર લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપી રાજેન્દ્રસિંહ ફરિયાદીના પિતા સાથે ઝપાઝપી કરી રહ્યો હતો. જેમાં ફરિયાદી વચ્ચે પડી છોડાવવા જતા આ શખ્સોએ ઝઘડો કરી તલવાર, છરી અને ધોકા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને તલવાર વાગતા જમણા હાથની આંગળીમાં ઇજા થઈ હતી તેમજ પગમાં છરી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરોપીઓએ લાકડાના ધોકા વડે મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કાર લઈને નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.