મોરબી જિલ્લામાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન સપ્તાહ’ અન્વયે મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણ માટે ૭ દિવસ યોજાશે વિવિધ કાર્યક્રમો

 

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ તા. ૧ થી ૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ મહિલાઓ અને દીકરીઓને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને શારીરિક રીતે વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ‘નારી વંદન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે. મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ સરકારી વિભાગોના સંયુક્ત સહયોગથી સમગ્ર સપ્તાહ દરમિયાન વિશેષ થીમ આધારિત વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આ ઉજવણી અંતર્ગત ૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, ૩ ઓગસ્ટે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, ૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે.

આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય, શિક્ષણ, ICDS, રોજગાર કચેરી, લીડ બેંક અને કાનૂની સેવા સત્તામંડળ સહિત વિભાગોના સંકલનથી સાયબર જાગૃતિ, સ્વરક્ષણ, કાનૂની માર્ગદર્શન, સ્વરોજગાર અને આરોગ્ય શિબિરો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં મોરબી જિલ્લા નાગરિકો, મહિલાઓ, યુવાનો અને દીકરીઓને ઉત્સાહભેર ભાગ લેવા મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.