

મોરબીના વિસીપરા વિસ્તારમાં મજૂરી કામ માટે વહેલી સવારે એકઠા થયેલા બે મિત્રો પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરુ કરી છે.
બનાવની વિગત મુજબ, વિસીપરામાં રહેતા પિન્ટુભાઈ કોળી અને તેમનો મિત્ર સુરેશ વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં ડીલક્સ પાન પાસે બેસીને મજૂરી કામ અંગે વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન મોટરસાયકલ પર આવેલા વસીમ યુનુસભાઈ સેડાત અને જાવેદ ઇકબાલભાઈ મોવર નામના બે શખ્સોએ તેમને અહીં કેમ બેઠા છો તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે યુવાનોએ ગાળો આપવાની ના પાડી ત્યારે બંને શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
ઝપાઝપી દરમિયાન જાવેદે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરિયાદીને મારી નાખવાના ઈરાદે પીઠના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે તેનો મિત્ર સુરેશ તેને બચાવવા વચ્ચે પડ્યો ત્યારે તેને પણ ખભાના ભાગે છરી મારી દેવામાં આવી હતી. હુમલાખોરો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને શખ્સો સામે હુમલો અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.