માળિયા હાઈવે પર ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી નિધન: ટ્રકમાં સુવા ગયા બાદ જાગ્યા નહીં


મોરબી-કંડલા નેશનલ હાઈવે પર એક ટ્રક ચાલકનું હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું હતું. પંજાબથી માલસામાન લઈને નીકળેલા ટ્રક ચાલક વડવાળા હોટલ પાસે ટ્રક ઉભો રાખી પોતાના મિત્ર સાથે આરામ કરવા માટે સુઈ ગયા હતા, જોકે ત્યારબાદ તેઓ જાગ્યા નહોતા.
બનાવની વિગત મુજબ, પંજાબના રહેવાસી લખબીરસિંગ જાંગીરસિંગ પોતાના મિત્ર શ્રવણસિંગ જુવારસિંગ સાથે ટ્રક નંબર GJ-12-BV-6756 લઈને મોરબી-કંડલા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. રાત્રિના સમયે વડવાળા હોટલ પાસે બંનેએ ટ્રક સાઈડમાં ઉભો રાખ્યો અને આરામ કરવા માટે ટ્રકમાં જ સુઈ ગયા હતા. મોડી રાત્રે શ્રવણસિંગે તેમના મિત્ર લખબીરસિંગને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કોઈ હલનચલન કરતા નહોતા. તાત્કાલિક તેમને સારવાર માટે માળિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તપાસમાં હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થતા માળિયા (મિ) પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


