

મોરબી જિલ્લામાં અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં અકાળે મોતના બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકા અને વાંકાનેર તાલુકામાં બનેલી આ ઘટનાઓમાં એક પરિણીત યુવતીનું બ્રેઇન હેમરેજના કારણે, એક યુવકનું ડેમના પાણીમાં ડૂબી જવાથી અને અન્ય એક શ્રમિક યુવતીનું સીરામીકના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પટાકાતા મોત નીપજ્યું છે.
મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના બેલા ગામની સીમમાં મામા કેમિકલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૦ વર્ષીય ભાવનાબેન મહેશભાઇ ડામોરના લગ્નને હજુ માંડ પાંચ મહિના જ થયા હતા. છેલ્લા બે દિવસથી તેમને સખત તાવ આવ્યો હતો અને ઉલ્ટીઓ થવા લાગી હતી. આથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન અચાનક આચકી આવતા બ્રેઇન હેમરેજ થઈ જવાને કારણે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજા બનાવમાં મોરબીના વજેપર વિસ્તારની શેરી નંબર ૫, વાલ્મિકી વાસમાં રહેતા ૨૬ વર્ષીય પરેશભાઇ રશીકભાઇ પઠાણ નામના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પરેશભાઇ જોધપર નદી ગામ પાસે આવેલા મચ્છુ-૨ ડેમ તરફ ગયા હતા, જ્યાં તેઓ ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ત્રીજી ઘટના વાંકાનેરના સરતાનપર રોડ પર બની હતી. મૂળ છત્તીસગઢના વતની અને હાલ સરતાનપર રોડ પર લેન્ડ ડેકોર સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કરતા ૨૮ વર્ષીય રૂપાબેન ચંદાલાલ પટેલ ક્વાર્ટરના ત્રીજા માળે બાલ્કનીની પારી ઉપર બેઠા હતા. એ દરમિયાન અચાનક ચક્કર આવી જતાં તેઓ સંતુલન ગુમાવી બેઠા હતા અને ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. ઊંચાઈ પરથી નીચે પડવાના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું