હળવદની તક્ષશિલા BBA/BCA કોલેજની રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ

 

અવકાશ પોસ્ટર સ્પર્ધામાં તક્ષશિલા કોલેજનો ડંકો: નેશનલ લેવલે બીજો ક્રમ મેળવી હળવદનું નામ રોશન કર્યું

હળવદ: ભારત સરકારના વિજ્ઞાન ભવન દ્વારા અમદાવાદના સાયન્સ સિટી ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અવકાશ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ‘અવકાશ ક્ષેત્રે ભારતનું પ્રદાન’ વિષય પર યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ પોસ્ટર સ્પર્ધામાં હળવદની તક્ષશિલા BBA/BCA કોલેજના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બીજો ક્રમ મેળવ્યો હતો. તક્ષશિલા કોલેજના વિદ્યાર્થીઓ કાવ્ય ઠક્કર, હીયા કણઝરિયા, ઈવા શુક્લા, ધ્રુવી પટેલ અને અદિતી સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિજિટલ પોસ્ટરને રાષ્ટ્રીય કક્ષાએ બીજું સ્થાન મળ્યું હતું. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓને રજૂ કરતી આ પોસ્ટરને નિર્ણાયકો દ્વારા પસંદ કરવામાં આવી હતી.

સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સાયન્સ સિટી તરફથી વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ ચંદ્રયાન-૩ની હાઈ રિઝોલ્યુશન તસવીર ભેટરૂપે આપવામાં આવી હતી.તક્ષશિલા કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ હાંસલ કરેલી આ સિદ્ધિ બદલ કોલેજના MD ડો. મહેશ પટેલ અને આચાર્ય રમેશ કણઝરિયા સહિત કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.હળવદની તક્ષશિલા કોલેજના વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શિક્ષણ ક્ષેત્રે હળવદનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યું હતું.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.