


મોરબીમાં કોપર ભંગાર સસ્તા ભાવે ખરીદ કરવાની લાલચ આપી રૂ ૧૫.૯૮ લાખના રકમની ઠગાઈ કરવામાં આવી હોય જે ગુનામાં પોલીસે રૂ ૧૦.૫૦ લાખની રકમ રીકવર કર્યા બાદ મૂળ માલિકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મુદામાલ પરત સોપવામાં આવ્યો હતો
ગત સપ્ટેમ્બર માસમાં મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબીના મહેન્દ્રનગર તુલસી પાર્ક પાસે રહેતા હરીલાલ વિરુજી ગુર્જર (ઉ.વ.૪૨) વાળાએ આરોપીઓ નિતેષ લાભુભાઈ દેવીપુજક રહે ઇન્દિરાનગર મોરબી ૨, ઈરફાન રહે નાના ખીજડીયા તા. ટંકારા, કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટ નંબર ધારક, ઈમ્તિયાઝ અને મયુર એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૩૦-૦૬-૨૦૨૭ થી તા. ૦૬-૦૭-૨૦૨૬ દરમિયાન ફરિયાદી હરીલાલ અને અંકિતભાઈ ભંગારની લે વેચનો ધંધો કરતા હોય જેથી આરોપીઓએ મોટી રકમની ઠગાઈ કરવા એકબીજા સાથે મેળાપીપણું કરી આયોજનબદ્ધ કાવતરું રચી આરોપી નીતેશ અને ઈરફાન અન્ય આરોપીઓના એજન્ટ બની ફરિયાદી હરીલાલ અને અંકિતભાઈને કોપરનો ભંગાર વેચાણ અપાવવા અંગે વિશ્વાસ કેળવ્યો હતો કોટક મહિન્દ્રા બેંક ખાતામાં ફરિયાદીએ રૂ ૯,૪૮,૭૨૦ તેમજ અન્ય વેપારી અંકિતભાઈએ રૂ ૬,૫૦, ૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા કુલ રૂ ૧૫,૯૮,૭૨૦ ની રકમ લીધા બાદ આરોપીઓએ કોપર ભંગાર નહિ આપી ઠગાઈ કરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા
ગુનામાં ગયેલ રકમ પૈકી રૂ ૧૦,૫૦,૦૦૦ રીકવર કરી હતી જે રીકવર કરેલ મુદામાલની રકમ કોર્ટના હુકમ મુજબ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોપવામાં આવી હતી

