તક્ષશિલા સંકુલમાં મેરેથોન સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ : ૩૦૫ મિનિટ સુધી અવિરત સૂર્યનમસ્કારઃ ૪,૮૦૦ સૂર્યનમસ્કારનો પડકાર, ૫૭,૬૦૦ આસનોનો અદ્ભુત પરાક્રમ

 

હળવદ: તક્ષશિલા સંકુલ ખાતે વિદ્યાર્થીઓમાં યોગ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી મેરેથોન સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૭:૦૦ વાગ્યે શરૂ થયેલી આ મેરેથોન બપોરે ૧૨:૦૫ વાગ્યા સુધી, એટલે કે સતત ૩૦૫ મિનિટ સુધી ચાલી હતી.સ્પર્ધામાં આશરે ૪,૮૦૦ સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. એક સૂર્યનમસ્કારમાં ૧૨ આસનનો સમાવેશ ગણવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ૫૭,૬૦૦ જેટલા યોગાસન કરવામાં આવ્યા હતા.

જુનિયર કેટેગરીમાં સુરેલા ક્રિશ્ના અને ચાવડા યશરાજે, જ્યારે સિનિયર કેટેગરીમાં તરુણ રાઠોડ અને દર્શન પરમારે પ્રથમ નંબર મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી હતી.ખાસ વાત એ રહી કે પ્રિયા કીર, વારાણી અકાશી અને ભીલ લક્ષ્મી નામની વિદ્યાર્થીનીઓએ પણ ૧,૮૦૪ સૂર્યનમસ્કાર કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓને આગામી જન્માષ્ટમીના કાર્યક્રમમાં ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામની ભૂમિકા ભજવવાનો વિશેષ અવસર આપવામાં આવશે.સમગ્ર સૂર્યનમસ્કાર મેરેથોન સ્પર્ધાનું આયોજન અમીષાબેન રંગપરા અને ચંદ્રિકાબેન માધર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, એકાગ્રતા અને યોગ પ્રત્યેની રૂચિ વધારતી આ અનોખી મેરેથોનને લઈને તક્ષશિલા સંકુલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 

મયુર રાવલ. હળવદ

 

Leave A Reply

Your email address will not be published.