

૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ની એ તારીખ જેને મોરબીવાસીઓ ક્યારેય પણ ભૂલી શકશે નહિ સતત વરસી રહેલા વરસાદ બાદ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ બપોરે તૂટી પડતા ૩ : ૧૫ કલાકે પાણીના ધસમસતા પ્રવાહે મોરબીને તારાજ કરી નાખ્યું હતું દર વર્ષે મૃતકોની સ્મૃતિમાં પરંપરાગત મૌન રેલી યોજાય છે અને આજે પણ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
મચ્છુ જળ હોનારતની ૪૭ મી વરસી નિમિતે આજે પરંપરાગત મૌન રેલી યોજાઈ હતી મહાનગરપાલિકા કચેરીથી મૌન રેલીનો પ્રારંભ થયો હતો જેમાં મંત્રી કાન્તીભાઈ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, મેયર ઉત્તમ સુરાણી, જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે, એસપી મુકેશ પટેલ, ડીડીઓ વિદ્યાસાગર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ નગરજનો જોડાયા હતા તેમજ શાળાના બાળકો પણ જોડાયા હતા મૌન રેલી શહેરના ગાંધી ચોક, નગર દરવાજા, પરા બજાર સહિતના સ્થળોએ થઈને મણી મંદિર સ્મારક ખાતે પહોંચી હતી અહી મૃતકોની યાદમાં સ્મારક બનાવ્યું છે જ્યાં સૌ કોઈએ દિવંગતોને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
એ ગોઝારા દિવસને યાદ કરતા મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે હોનારતને ૪૭ વર્ષનો સમય વીતી ગયો છે ૪૨૦૦ ભાઈઓ-બહેનોએ જીવ ગુમાવ્યા હતા જળ હોનારતને પગલે તાત્કાલિક મુખ્યમંત્રી એક મહિનો મોરબી રોકાયા હતા અને મોરબીથી જ સરકાર ચલાવતા હતા એક માસ મોરબી રોકાઈ મોરબીને બેઠું કર્યું હતું તો હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે સંઘના સ્વયંસેવક હતા જે મોરબી ૩ માસ રોકાયા હતા જેની સાથે મંત્રી કાન્તીભાઈએ પણ રાહત કામગીરી કરી હતી
હોનારતમાં પુત્ર ગુમાવનાર પી એમ નગવાડિયા જણાવે છે કે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના દિવસને યાદ કરતા આજે પણ લાગણીઓ ઉભરાય જાય છે તે દિવસે પાણીના પ્રવાહમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતો ૧૪ વર્ષનો પુત્ર મૃત્યુ પામ્યો હતો મોરબીમાં અનેક લોકોના મોત થયા હતા મારા એક મિત્રના એક જ કુટુંબના ૧૧ લોકોના મોત થયા હતા સવારે ઉઠયા હતા અને પાણીના પ્રવાહ આવી ગયા હતા શેરીના નાકે પાણી આવી ગયાની જાણ થતા તેઓ દુકાનના પતરા પર ચડી ગયા હતા એ દિવસને યાદ કરતા તેમની આંખો ભીની થઇ જવા પામી હતી


