ગુજરાત યોગ બોર્ડના ચેરમેન તરીકે શિશપાલ રાજપૂતની સતત ત્રીજી વખત નિમણૂક
ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પાઠવી શુભેચ્છાઓ; આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે જિલ્લા કો-ઓર્ડિનેટરોને માર્ગદર્શન


ગુજરાત યોગ બોર્ડના ચેરમેન તરીકે શિશપાલ રાજપૂતની સતત ત્રીજી વખત નિમણૂક થતા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે શિશપાલ રાજપૂતના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં યોગના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ માટે થયેલા નોંધપાત્ર કાર્યો રાજ્યના લાખો યોગસાધકો માટે પ્રેરણારૂપ બન્યા છે.


આ પ્રસંગે શિશપાલ રાજપૂતે વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાના યોગ કો-ઓર્ડિનેટરો સાથે સંવાદ કરી આગામી 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને ભવ્ય અને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. યોગને જનઆંદોલનનું સ્વરૂપ આપવા તેમજ વધુમાં વધુ લોકો સુધી યોગના લાભો પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પ અને સતત પ્રયાસોના પરિણામે આજે યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અને માન-સન્માન પ્રાપ્ત થયું છે. યોગ માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
મયુર રાવલ હળવદ