પ્રગતિનો પ્રવેશોત્સવ :  મોટીબરારમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

 

 

માળિયા તાલુકાના મોટીબરાર ગામે રત્નમણિ પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મોડેલ સ્કૂલના આંગણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ માટે સરકારશ્રીની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી અને સાથે માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. તદ્દઉપરાંત મહાનુભાવોએ શિક્ષણના મહત્ત્વ પર પ્રકાશ પાડી વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા હતા જેથી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને પ્રેરણાનું વાતાવરણ સર્જાયું હતું. વિશેષ કાર્યક્રમ બાદ મહેમાનોના હસ્તે મોડેલ સ્કૂલમાં સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. અને અંતમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. એચ.એમ. જેતપરીયા, માળિયા તાલુકાના મામલતદાર એચ.સી. પરમાર, સરવડ સી.આર.સી મહેશભાઈ ચૌહાણ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટીબરાર ગામના સરપંચ, ઉપસરપંચ, શાળાની SMC અને SMDCના અધ્યક્ષો, ગામના આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

 

કાર્યક્રમને સફળ બનાવવા મોડેલ સ્કૂલના આચાર્ય ભરતભાઈ વિડજા, રત્નમણિ પ્રા. શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા તથા બંને શાળાના શિક્ષકોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

 

Leave A Reply

Your email address will not be published.