‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ એ પરમકૃપાળુદેવની આત્મદશાનું સ્મરણ કરી, આત્મકલ્યાણના માર્ગે અગ્રેસર થવાનો અપૂર્વ અવસર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

સિદ્ધ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫ મા સમાધિદિનની ઉજવણીમાં શાસ્ત્રી મેદાન બન્યું શુદ્ધતા અને પવિત્રતાનું મેદાન  

 

    ૧૯ મી સદીમાં થયેલ આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૨૫ મા સમાધિદિનની ઉજવણી નિમિત્તે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં એક ચાર દિવસીય ભવ્ય આધ્યાત્મિક મહોત્સવ – પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ ઉજવાઈ રહ્યો છે.  શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા. ૪ એપ્રિલ થી ૭ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ચાલનાર આ મહોત્સવના બીજા દિવસે એટલે કે તા. ૫ મી એપ્રિલે સવારે યોજાયેલ સંકીર્તન સભામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી પરમકૃપાળુદેવના નામથી લોક હૃદયમાં બિરાજતાં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી, સંતપરંપરા પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો અને સમગ્ર પર્વને વિશેષ ગૌરવ આપ્યું.

 

શ્રીમદ્ રાજચંદ્રજીને પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને લાખો અનુયાયીઓને શ્રીમદ્જીના બોધ અનુસાર મોક્ષમાર્ગનું માર્ગદર્શન આપી રહ્યા છે એવા રાજપરિવારના સંતો – શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુરદેવશ્રી રાકેશજી, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલાના આધ્યાત્મિક વડા પૂજ્યશ્રી નલીનભાઈ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન દિલ્હીના આધ્યાત્મિક વડા પૂજ્ય બેન શ્રી રત્નાપ્રભુ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા આશ્રમના આધ્યાત્મિક વડા આદરણીય શ્રી સુરેશજીની સભામાં પાવન ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી મહેકાવી દીધું હતું. આ પ્રસંગે આયોજક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટી કિશોરભાઈ મહેતા અને શ્રી જગદીશભાઈ ભીમાણી પણ ઉપસ્થિત હતા.

 

શ્રીમદ્ રાજચંદ્રજીએ આ કાળમાં થઇ ગયેલ એક વિરલ આત્મજ્ઞાની મહાત્મા છે. ભગવાન મહાવીરસ્વામીના સનાતન માર્ગમાં પ્રાણ ભરનાર, તીવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મપ્રાપ્તિનો માર્ગ સરળ ભાષામાં ઉદ્દઘાટિત કર્યો. તેમનું આધ્યાત્મિક સાહિત્ય વાંચતા તેમની ઉચ્ચ આત્મદશાની ઝાંખી થાય છે. ૨૮ વર્ષની વયે તેઓશ્રીએ રચેલ આત્માના વિષયમાં મહાગીતા સમ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ આધ્યાત્મિક સાહિત્યનું અનમોલ રત્ન છે, જે આજે પણ મોક્ષપિપાસુઓ માટે ભોમિયા સમાન છે. પરમકૃપાળુદેવની વાણી એટલી બધી સ્પષ્ટ, સરળ અને સચોટ છે કે જીવને માત્ર જાગૃત જ નથી કરતી, એક નવા ઉત્સાહ-ઉમંગથી ભરી દે છે.

 

પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો બોધ આજે વર્તમાનમાં પણ એટલો જ પ્રસ્તુત છે. તેમના અક્ષરદેહની કીર્તિસૌરભ આજે વિશ્વમાં સર્વત્ર પ્રસરતી જાય છે. આજે અનેકાનેક લોકો તેમના વચનામૃતોના અભ્યાસ, વાંચન, મનન, પરિશીલન આદિથી પોતાનું શ્રેય સાધવા ઉત્સુક બન્યા છે. આત્માનુભવ તેમના શબ્દે શબ્દમાં ઝળકે છે.  ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત’ માં જીવને સ્વાનુભવ કઈ રીતે થઇ શકે તે માર્ગ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યો છે. આ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં એક સીમાસ્તંભરૂપ છે. ભારતવર્ષ યુગપુરુષ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીથી ગૌરવાન્વિત છે.

 

રામકૃષ્ણ મિશન, રાજકોટના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી અને BAPS ના પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીજીએ આ પ્રસંગે આશીર્વચન ફરમાવી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ભક્તિકાર અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રોગ્રામ ડિરેક્ટર શ્રી વિક્રમભાઈ હઝરાએ પોતાનું  ભાવભીનું આલબમ “સુખ ધામ અનંત” કે જેમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અમૂલ્ય પદો સમાવિષ્ટ છે તે અર્પણ  કર્યું અને તેને સર્વ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું.

 

આ અવસરે પોતાના ભાવ વ્યક્ત કરતા પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ કહ્યું કે, જે મુમુક્ષુને પોતાનું આંતરિક રૂપાંતરણ કરવું હોય તેણે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા મહાપુરુષની ભક્તિ કરવી જોઈએ. પોતાની આંતરિક દશા વધારવી હોય, સાધનાનું બળ મેળવવું હોય અને આત્મસ્થ થવું હોય તેને માટે પરમકૃપાળુદેવ જેવા મહાઉપકારી કોઈ મળશે નહિ. પરમકૃપાળુદેવ એટલે અંતર્મુખતાનું જીવતું જાગતું આમંત્રણ છેશ્રીમદ્ રાજચંદ્ર વ્યક્તિ નહીં ઘટના છે, એવી ઘટના જે વારંવાર ઘટી શકે છે. એમના પ્રત્યેના ઓળખાણ,અહોભાવ અને અર્પણતાના કારણે આપણામાં કળી રૂપે તો તેઓ છે , હવે ફૂલ બનીએ તો શ્રીમદ્ રાજચંદ્ર પાર્ટ 2 બનશે. પરમકૃપાળુદેવ વીતરાગ માર્ગે ચાલીને  થયેલ  સિદ્ધ યોગી છે.”

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના વ્યક્તવ્યમાં કહ્યું કે,  “ પર્વ માત્ર સ્મરણનો નહિ પણ આત્મમંથન સાધના અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો અવસર છે. “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”  પરમકૃપાળુદેવની પરમ અદ્ભુત આત્મદશાનું સ્મરણ કરી, આત્મકલ્યાણના માર્ગે અગ્રેસર થવાની દૃષ્ટિએ  ખરેખર અપૂર્વ અવસર છે. આપણું વર્તન પરમકૃપાળુદેવની સાચી પબ્લિસિટી છે. આપણે સૌ આજે પ્રતિજ્ઞા લઈએ કે પરમકૃપાળુદેવને હૃદયમાં વસાવી તેમના સાચા અનુયાયી બનીએ.”

શાસ્ત્રી મેદાનમાં બાંધવામાં આવેલ વિશાલ મંડપમાં આ પર્વની ઉજવણીના કાર્યક્રમ ૭ એપ્રિલ સુધી રોજ સવારે ૧૦.૩૦ થી  ૧૨.૩૦ અને રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ વાગે રાખવામાં આવ્યા છે. અહીં પ્રાંગણમાં શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી સ્થાપિત કરવામાં આવી છે અને તેના પક્ષાલ લાભ સહુ કોઈ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સાથે જ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સ્પર્શથી પાવન થયેલ વસ્તુઓની એક પ્રદર્શીની પણ રાખવામાં આવી છે. તેમનો કરુણા અને જીવદયાના સંદેશના પ્રતિકરૂપ એક રક્તદાન શિબિર પણ સાથે જ રાખવામાં આવી છે. કાર્યક્રમમાં આગળ વધતાં રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ સુપ્રસિદ્ધ કલાકાર હાર્દિક દવે સાથે કીર્તન ભક્તિ યોજવામાં આવી છે.

 

પવિત્રતા, ભક્તિ અને સત્સંગ થી મહેકતું આ પર્વ દરેક માટે  પરમકૃપાળુદેવની અલૌકિક આત્મદશાના સ્મરણ દ્વારા આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા માટેની પ્રેરણા બની રહ્યો છે. આ ચાર દિવસીય પર્વ દરમ્યાન પ્રેરણાદાયી પ્રવચનો, ભાવવર્ધક અનુષ્ઠાનો, કીર્તન, નાટ્યપ્રસ્તુતિઓ અને ભવ્ય શોભાયાત્રા જેવી વિવિધ આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. સવાર અને સાંજના આ નિયમિત કાર્યક્રમોમાં ભાવિકો સંતસામગામની સરવાણીમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે અને આત્મજાગૃતિના આ પાવન અવસરને આત્મસાત કરી ધન્ય બની રહ્યા છે.

 

Leave A Reply

Your email address will not be published.