


ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત અને મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા સંચાલિત “ઓપન ગુજરાત અંડર-14 જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટ”નું આગામી તારીખ 6 થી તારીખ 10 સુધી મોરબીના આંગણે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. દેવેન રબારી તેમજ સેક્રેટરી જીતુભાઈ રબારીની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર, આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન મોરબીની પ્રખ્યાત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ-અલગ 12 જિલ્લાઓની શ્રેષ્ઠ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, બરોડા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, કચ્છ, મોરબી, પાટણ, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે.
આ તમામ 12 ટીમો એકબીજા સામે ચાર-ચાર મેચો રમશે અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ 48 રોમાંચક મેચો રમાડવામાં આવશે, જે મોરબીના રમતપ્રેમીઓ માટે એક અદભુત લહાવો બની રહેશે. મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા ખેલાડીઓ અને ઓફિશિયલ્સ માટે રહેવા, જમવા તેમજ મેદાન પરની તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
મોરબી ફૂટબોલ એસોસિએશન વતી મોરબીના તમામ રમતપ્રેમીઓ, વાલીઓ, યુવાનો અને જાહેર જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા માટે ભાવભર્યું અને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ નાની દીકરીઓ જ્યારે મેદાન પર પોતાનું કૌશલ્ય બતાવશે, ત્યારે તેમનો ઉત્સાહ અને પ્રેરણા વધારવા માટે મોરબીના લોકો મોટી સંખ્યામાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના મેદાન પર પધારે અને રમતગમતના આ અનોખા મહોત્સવને સાક્ષી બની સફળ બનાવે તેવી નમ્ર અપીલ છે.