

હળવદ, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે છોટી કાશી તરીકે જાણીતા હળવદ શહેરના શિવાલયોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો હતો. શહેરના પ્રસિદ્ધ શરણેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન-પૂજન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરો ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા.
શ્રાવણ સુદ એકમથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોએ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. શિવભક્તોએ બિલિપત્ર, કાળા તલ, પુષ્પ સહિતની પૂજાની સામગ્રી અર્પણ કરી ભગવાન ભોળાનાથને રીઝવ્યા હતા. શ્રાવણ સોમવારને લઈને શિવભક્તોમાં વિશેષ આસ્થા જોવા મળી હતી. અનેક ભક્તોએ એકટાણું અને ઉપવાસ રાખી ભગવાન શંકરની આરાધના કરી હતી. ઝાલાવાડમાં ‘મીની સોમનાથ’ તરીકે જાણીતા વૈજનાથ મહાદેવ મંદિર તેમજ સ્વર્ગની અનુભૂતિ કરાવતા શરણેશ્વર મહાદેવ મંદિર સહિત હળવદના વિવિધ શિવાલયોમાં દિવસભર ભક્તોની અવરજવર જોવા મળી હતી.
હળવદ શહેરની ચારે તરફ આવેલા વિવિધ શિવાલયોમાં દર્શન-પૂજન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓમાં એવી ધાર્મિક માન્યતા છે કે અહીં મહાદેવના દર્શન અને પૂજનથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે તથા મનોકામનાઓ પૂર્ણ થાય છે. આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી આ માન્યતાઓને કારણે શ્રાવણ માસ દરમિયાન હળવદના શિવાલયોમાં દૂરદૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે પણ ભક્તોએ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લઈ ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે ધન્યતા અનુભવી હતી. સમગ્ર હળવદ શહેરમાં દિવસભર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
મયુર રાવલ હળવદ



