જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૌરાણિક મેળાના આયોજન અન્વયે તા. ૨૨ થી ૨૪ ઓગસ્ટ દરમિયાન ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા લજાઈ-વાંકાનેર માર્ગ પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધની સાથે વૈકલ્પિક રૂટ અપાયો


મોરબી જિલ્લાના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા રવિવાર અને સોમવારને અનુલક્ષીને તા. ૨૨/૦૮/૨૦૨૬ થી તા. ૨૪/૦૮/૨૦૨૬ સુધી (કુલ ૩ દિવસ) લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લજાઈ ચોકડીથી વાંકાનેર જતા સ્ટેટ હાઈવે પર જી.આઈ.ડી.સી. આવેલી હોવાથી ભારે વાહનોની વધુ અવરજવરના કારણે મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા તા. ૨૨/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી તા. ૨૪/૦૮/૨૦૨૬ ના રાત્રે ૨૪:૦૦ વાગ્યા સુધી જાહેરનામું બહાર પાડી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર લજાઈ ચોકડી, મોરબી રવાપર ગામ (ઘુનડા-સજનપર થઈને) તેમજ ટંકારા ખીજડીયા ચોકડી તરફથી રાતીદેવડી અને વાંકાનેર શહેર તરફ જતા ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. આ રૂટના વૈકલ્પિક રસ્તા તરીકે લજાઈ ચોકડી તરફથી જતા ભારે વાહનો માટે મિતાણા ચોકડીથી વાલાસણ, પીપળીયા રાજ અને અમરસર થઈને વાંકાનેર તરફ જવાનો માર્ગ નિર્ધારિત કરાયો છે. તેવી જ રીતે વાંકાનેરથી લજાઈ તરફ જતા ભારે વાહનો પણ અમરસર, પીપળીયા રાજ, વાલાસણ, મિતાણા ચોકડી અને ટંકારા થઈને લજાઈ તરફ જઈ શકશે.
આ જાહેરનામામાંથી એસ.ટી. બસો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, શાળા-કોલેજના વાહનો, દૂધ-શાકભાજી જેવી આવશ્યક સેવાઓ તથા સામાજિક-ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.