



સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા આજરોજ પાવન સોમવતી અમાસ નિમિત્તે વિવેકાનંદ નગર, મોટા દહીંસરા ખાતે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમાસ તિથિ અને એમાંય સોમવારનો સંયોગ અત્યંત પુણ્યદાયી મનાય છે. આ શુભ અવસરને સેવા કાર્યમાં પલટાવતા ક્લબના સભ્યો દ્વારા ગામના જરૂરિયાતમંદ બાળકોને પૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિતરણ કરવામાં આવેલી કીટમાં સ્કૂલબેગ, ફુલસ્કેપ ચોપડા, એક્ઝામ પેડ, પેન, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી અને કંપાસ બોક્સ, લંચ બોક્સ તથા વોટર બોટલ આપવામાં આવી હતી. શિક્ષણની સાથે પોષણ પણ જરૂરી છે એ ભાવથી બાળકોને હળવા નાસ્તાના પેકેટ પણ આપવામાં આવ્યા હતા.
આ સેવા યજ્ઞમાં શાળાના શિક્ષક જે.બી. રાજ્યગુરુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ક્લબની આ પહેલને બિરદાવતા જણાવ્યું કે “બાળકોના ઘડતરમાં આ પ્રકારની સંપૂર્ણ કીટ ખૂબ જ ઉપયોગી નીવડે છે. સ્કૂલબેગથી લઈને વોટર બોટલ સુધીની વ્યવસ્થાથી વાલીઓ પરનો ભાર હળવો થયો છે.”
આ પ્રસંગે મોરબી ન્યૂમિસમેટિક ક્લબના સંસ્થાપક પ્રમુખ અને એડવોકેટ મિતેષ દવેએ જણાવ્યું કે, “સિક્કા-ચલણી નોટોના સંગ્રહની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું એ પણ અમારા ક્લબનો મુખ્ય ઉદ્દેશ છે. સોમવતી અમાસ જેવા પવિત્ર દિવસે બાળકોને માત્ર ચોપડા નહીં, પણ સંપૂર્ણ શૈક્ષણિક કીટની સજ્જતા આપી શક્યા એનો આનંદ છે.”
કાર્યક્રમમાં એડવોકેટ દર્શન દવે, યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરા, યુગભાઈ દવે તથા એડવોકેટ કપિલદેવ પંડ્યા સહિતના મહાનુભાવો હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. નવી સ્કૂલબેગ ખભે નાખી, હાથમાં લંચ બોક્સ લઈને બાળકોના ચહેરા પરનું સ્મિત જોવા લાયક હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ન્યુમિસમેટિક ક્લબ સમયાંતરે દિવ્યાંગજનો ને જરૂરી મદદ, જરૂરિયાત મંદ પરિવારને રાશન કીટ, વૃક્ષારોપણ અને જરૂરિયાત મંદ બાળકોને શૈક્ષણિક કીટની મદદ જેવી પ્રવૃત્તિઓ કરતું રહે છે.


