



મોરબી જીલ્લામાં બુધવારે સાર્વત્રિક મેઘમહેરથી ખુશીની લહેર દોડી ગઈ હતી. આજે સાંજે શરુ થયેલા વરસાદમાં મોરબીમાં ૫ મીમી, હળવદમાં ૩૩ મીમી, ટંકારામાં ૧૭ મીમી અને વાંકાનેરમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો જયારે માળિયા પંથકના કેટલાક ગામોમાં છુટાછવાયા ઝાપટા નોંધાયા હતા. સાર્વત્રિક મેઘમહેરથી આજે જગતનો તાત ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. તો મોરબી સહિતના શહેરોમાં આજે વરસાદથી યુવાનો, મહિલાઓ અને બાળકો ન્હાવા માટે બહાર નીકળી પડ્યા હતા. મેઘરાજાની સવારીથી વાતાવરણ ખુશનુમા બની રહ્યું હતું અને સર્વત્ર ખુશી જોવા મળી હતી મોરબી જીલ્લાના નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. આ મામલે નવલખી પોર્ટના ઓફિસર કેપ્ટન એ.બી.સોલંકીએ મોરબી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ૫૦ થી ૫૫ કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવનાને પગલે ત્રણ નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. ૨૫ થી ૩૦ કનોટની ઝડપે પવન ફૂંકાઈ સકે છે જેથી તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે સાવચેતીના ભાગરૂપે કદમ ઉઠાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

