



રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ પરામર્શ યોજના અંતર્ગત શહેરી ફેરી યોજના લાગુ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪ ના એક્ટની કલમ ૩૮ મુજબ જરૂરી સુધારા વધારા કરીને આ ડ્રાફ્ટ રાજ્યની તમામ પાલિકા અને મહાપાલિકામાં મોકલવામાં આવી છે જેને લાગુ કરવાની ભલામણ અન્વયે તાજેતરમાં મોરબી પાલિકા ખાતે શહેરી ફેરી યોજના અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી.શહેરી ફેરી યોજના અંતર્ગત પ્રતિનિધિ દ્વારા લારી-ગલ્લા અને ફેરી કરતા ફેરિયાઓને ઓળખ આપવા અને તેની મુશ્કેલીઓ નિવારવા માટે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાગર રાડિયા, ડો. હિરાણી, પીઆઈ વી.વી.ઓડેદરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, નવજીવન ટ્રસ્ટના પ્રતિનિધિ અને લીડ બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાએ પણ હાજરી આપી હતી. ફેરી યોજના અંતર્ગત ફેરિયાઓને તેનો હક મળે તેવા હેતુથી વિવિધ વિભાગના પ્રતિનિધિઓએ એકમંચ પર આવીને તેની મુશ્કેલીઓ અને જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી. જેમાં લીડ બેંકના અધિકારી દ્વારા શ્રમજીવીઓને મળતી સહાય કે લોન અંગે જયારે અન્ય વિભાગે સંબંધિત ચર્ચાઓ કરી હતી. ફેરિયાઓને ઓળખપત્ર આપવાનું અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં આગામી દિવસોમાં ૧૮૦૦ લારી-ગલ્લા ધારકોને ઓળખપત્ર આપવામાં આવશે.

