મોરબી મહાનગરપાલિકાની નવી પહેલ: જાહેર પુસ્તકાલયો માટે નાગરિકો પાસેથી પુસ્તકોના સૂચનો આવકારાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર પુસ્તકાલયોના પુસ્તકસંગ્રહને વધુ સમૃદ્ધ, જ્ઞાનપ્રદ અને વાચકો માટે ઉપયોગી બનાવવા માટે એક સુંદર પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા મોરબીના વાચકોને તેમની વાંચનરુચિ અને જરૂરિયાત મુજબના નવા પુસ્તકો ખરીદવા માટે પોતાના સૂચનો આપવા આમંત્રિત કરવામાં આવ્યા છે. વાચકો દ્વારા આપવામાં આવેલા સૂચનો, તેમની ઉપયોગિતા અને ઉપલબ્ધ બજેટને ધ્યાનમાં રાખીને પુસ્તકાલય સમિતિ દ્વારા આખરી પસંદગી કરી નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવશે, જેથી દરેક વર્ગના વાચકોને ગમતું સાહિત્ય ઉપલબ્ધ થઈ શકે.

આ યોજના અંતર્ગત વાચકો સાહિત્ય, નવલકથા, વાર્તા, કાવ્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો તથા બાળસાહિત્ય જેવા વિવિધ વિષયોની ભલામણ કરી શકશે. નાગરિકો પોતાની પસંદગીના પુસ્તકો બે રીતે સૂચવી શકે છે: (૧) ઓનલાઈન ERP પોર્ટલ (https://erp.mmcgujarat.in/account/citizenlogin) પર લૉગિન કરીને અથવા (૨) શહેરની ત્રણ જાહેર લાઈબ્રેરીઓ—શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી (શાક માર્કેટ પાસે), ગ્રીન ચોક લાઈબ્રેરી અને કેસર બાગ લાઈબ્રેરી (સામાકાંઠે) ની પ્રત્યક્ષ મુલાકાત લઈને. વાચકોને પુસ્તકનું નામ, લેખક, પ્રકાશક જેવી વિગતો સાથે વધુમાં વધુ સૂચનો આપી જાહેર પુસ્તકાલયોને વધુ લોકોપયોગી બનાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.