મોરબીમાં દિલીપ દલસાણીયાએ જન્મદિવસે ૪૨ મી વખત રક્તદાન કર્યું

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી ઉત્સવ મનાવીને કરતા હોય છે. પરંતુ મોરબીના સેવાભાવી યુવાન દિલીપ દલસાણીયાએ પોતાના ૩૬ માં જન્મદિવસે જીવનનું ૪૨મું રક્તદાન કરી સમાજ સમક્ષ માનવતા અને સામાજિક જવાબદારીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ચલાવવામાં આવતી “લોહીમાં છે માનવતા” મુહિમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે રક્તદાન કરીને પોતાના આ દિવસને અર્થપૂર્ણ બનાવ્યો હતો. આ પ્રસંગે રક્તદાનનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, રક્તદાન એ માત્ર સામાન્ય સેવા નથી પરંતુ જરૂરિયાતમંદના જીવનને બચાવવાનું પરમ પુણ્યકાર્ય છે. રક્તની જરૂરિયાત અચાનક ઊભી થતી હોય છે; અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીઓ, પ્રસૂતિ દરમિયાન લોહીની અછત અનુભવતી માતાઓ, થેલેસેમિયા જેવા રોગથી પીડાતા બાળકો તેમજ ગંભીર બીમારીઓની સારવાર લઈ રહેલા લોકો માટે સમયસર મળતું એક બોટલ રક્ત પણ નવજીવન આપી શકે છે.

       “રક્તદાનથી શરીરમાં કોઈ નબળાઈ આવતી નથી, પરંતુ કોઈના જીવનમાં નવી આશા જન્મે છે” તેવો સ્પષ્ટ સંદેશ આપતા તેમણે સમાજના દરેક સ્વસ્થ નાગરિકને અપીલ કરી હતી કે પોતાના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય શુભ પ્રસંગોને માત્ર અંગત ખુશીઓ પૂરતા સીમિત ન રાખતા આવા સેવાકાર્યો સાથે જોડવા જોઈએ. યંગ ઈન્ડિયા ગ્રૂપની આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય પણ સમાજમાં સ્વૈચ્છિક તથા નિયમિત રક્તદાન અંગે જાગૃતિ ફેલાવીને માનવતાની સાંકળને વધુ મજબૂત કરવાનો છે, જેથી એક બોટલ રક્ત કોઈના જીવનનું નવું કિરણ બની શકે.

Leave A Reply

Your email address will not be published.