હળવદ પાલિકામાં તાળાબંધી પ્રકરણ : આપ’ તાલુકા પ્રમુખ સહિત ત્રણ સામે ગુનો
ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ પોલીસ કાર્યવાહી : પાલિકા કચેરીમાં તાળાબંધીના બનાવને લઈ રાજકીય ગરમાવો આપ’ના તાલુકા પ્રમુખ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો : સફાઈ કામદારોને રૂમમાં પૂરી બહાર ન નીકળવા દીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ


હળવદ: હળવદ નગરપાલિકા કચેરી ખાતે ગેરકાયદેસર અવરોધ ઉભો કરી સરકારી કામગીરીમાં અડચણરૂપ બનવાના પ્રકરણમાં હળવદ પોલીસે ‘આપ’ના તાલુકા પ્રમુખ સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 10/06/2026ના રોજ સવારે આશરે 10:30 વાગ્યાના અરસામાં હળવદ નગરપાલિકા કચેરી ખાતે આરોપીઓએ કચેરીના દરવાજાને તાળું મારી ગેરકાયદેસર અવરોધ ઊભો કર્યો હતો. તે સમયે નગરપાલિકાના સફાઈ કામદારો રૂમની અંદર હોવાનું જાણવા છતાં તેમને બહાર નીકળવા દેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ શટર ખોલવા અંગે ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ મુજબ, કચેરીમાં અંદર રહેલા સાહેદોને ગભરામણ તેમજ છાતીમાં દુખાવા જેવી તકલીફો થતાં પરિસ્થિતિ ગંભીર બની શકે તેમ હોવા છતાં દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. આ રીતે સરકારી કચેરીમાં રાજ્ય સેવકોને તેમની ફરજ બજાવતા અટકાવી અનધિકૃત પ્રવેશ કરી સામાન્ય ઇરાદાથી ગુનો આચર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ મામલે નગરપાલિકાના કર્મચારી નિસર્ગભાઈ વિક્રમભાઈ ધામેચાની ફરિયાદના આધારે હળવદના સિદ્ધી વિનાયક સોસાયટીના ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી, કરાંચી કોલોનીના પારસભાઈ રજનીભાઈ મહેતા તથા સિદ્ધી વિનાયક સોસાયટીના પ્રશાંતભાઈ નટવરભાઈ ચાવડા સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ ચંદુભાઈ મોરી હળવદ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ હળવદ તાલુકા પંચાયતના સભ્ય છે.
વિવિધ કલમો હેઠળ ગુનો
હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 126(2), 127(2), 224, 110, 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 120 મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. સમગ્ર મામલે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.એચ. ભટ્ટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નગરપાલિકા કચેરીમાં બનેલા આ બનાવને પગલે હળવદના રાજકીય અને સ્થાનિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.
મયુર રાવલ હળવદ

