મોરબી : મંત્રીએ રોડના રીપેરીંગ માટે સુચના આપવી પડે છે તો પણ “ટુરીઝમ હબ” બનાવવાની હવાહવાઈ વાતો



મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સાથે પુરવઠા સલાહકાર સમિતિ અને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક પણ યોજાઈ હતી.
આ બેઠકમાં મોરબી-રાજકોટ માર્ગની બિસ્માર હાલત અંગે રજૂઆત બાબતે મંત્રીએ પ્રજાહિતમાં કડક સૂચનાઓ આપીને કામગીરી તાત્કાલિક હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત સરકારી જમીન તથા સરકારી કર્મચારીઓને ક્વાર્ટરની ઓનલાઈન ફાળવણી, મોરબીને ‘ટૂરિઝમ હબ’ તરીકે વિકસાવવા અને ‘નમો વન’ ના નિર્માણ સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે મંત્રી પોતે માને છે કે રોડ રસ્તાની હાલત સારી નથી અને રોડ રસ્તાના તાત્કાલિક રીપેરીંગ માટે તેઓ સંબંધિત અધિકારીઓને સુચના આપે છે તો તૂટેલા રોડ રસ્તા સાથે મોરબીને ટુરીઝમ હબ કેવી રીતે બનાવી શકાશે તે નાગરિકોને સમજાતું નથી



