

મોરબી એસ.ઓ.જી.ની ટીમે વજેપર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસને આરોપીના વાડામાંથી ‘હાઇબ્રિડ ગાંજો’ પણ મળી આવ્યો છે. આ નશાના કારોબારમાં રાજકોટના એક શખ્સનું નામ ખુલતાં પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


મળતી માહિતી અનુસાર એસ.ઓ.જી.ની ટીમે મોરબી માં સાયન્ટીફીક રોડ પર વજેપર શેરી નંબર-૨૩માં આવેલા એક વાડામાં રેઇડ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર દાઉદ અબ્બાસભાઇ ખુરેશી (ઉંમર વર્ષ ૨૭, ધંધો: મજુરી) નામના શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પોલીસે વાડામાં તપાસ કરતાં કોઈપણ પાસ-પરમિટ વગરનો ૧ કિલો ૯૯૨ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો (કિંમત રૂપિયા ૯૯,૬૦૦) તથા ૧૧ ગ્રામ ૩૭ મિલિગ્રામ હાઇબ્રિડ ગાંજો (કિંમત રૂપિયા ૩૮,૬૨૯) મળી આવ્યો હતો. આ ઉપરાંત, નશાના વેપાર માટે રાખેલા નાનો-મોટો ઇલેક્ટ્રીક વજનકાંટો, પેકિંગ માટેની પ્લાસ્ટિકની નાની-મોટી કોથળીઓ, ડ્રગ્સના વેચાણના રોકડા રૂપિયા ૧,૬૨૦, એક વિવો કંપનીનો મોબાઇલ ફોન અને અન્ય કાગળો મળી કુલ રૂપિયા ૧,૪૫,૫૪૯નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ જથ્થો તેણે રાજકોટના ગામીત નામના શખ્સ પાસેથી વેચવાના ઇરાદે મંગાવ્યો હતો. આ મામલે પોલીસે પકડાયેલા આરોપી દાઉદ ખુરેશીની અટક કરી છે, જ્યારે જથ્થો સપ્લાય કરનાર રાજકોટના શખ્સને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.