

મોરબી જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબે ઘૂમી શકે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તો પોલીસે ગરબા આયોજકોને ત્યાં ચેકિંગ હાથ ધરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નવરાત્રીના બંદોબસ્તમાં એ-ડિવિઝન, બી-ડિવિઝન, મોરબી તાલુકા, એલસીબી, એસઓજી, શી ટીમ, સાયબર ક્રાઈમ, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટ્રાફિક બ્રાન્ચની વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે. હળવદ, વાંકાનેર સિટી, વાંકાનેર તાલુકા અને ટંકારા સહિતના વિસ્તારોમાં નાની શેરી ગરબીઓથી લઈને અર્વાચીન નવરાત્રી મહોત્સવના આયોજનમાં 4 ડીવાયએસપી અને તમામ થાણા ઇન્ચાર્જની દેખરેખ હેઠળ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ અર્વાચીન ગરબાના આયોજન સ્થળની મુલાકાત લઈ જરૂરી સૂચના આપવામાં આવી હતી.
મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ સ્ટેશનની ‘શી-ટીમ‘ (She Team) કાર્યરત કરવામાં આવી છે. આ ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના સ્થળોએ ખેલૈયાઓ વચ્ચે હાજર રહીને રોમિયો કે કનડગત કરતા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે અને તેઓને પકડી કાયદેસરની કડક કાર્યવાહી કરશે. ઉપરાંત લોકલ પોલીસ મથકનો સ્ટાફ (સર્વેલન્સ ટીમ) પણ વોચ રાખશે. ગરબા સ્થળ આસપાસ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસની ટીમ પણ ખડેપગે રહેશે.પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે વાહનો નિયત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરવા અને બાળકો ગરબા રમવા જાય ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવું. કોઈપણ મુશ્કેલી કે ઈમરજન્સીના સમયે લોકો ૧૧૨ નંબર પર ફોન કરી શકે છે.