

મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને શિસ્તબદ્ધ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે સ્થિત માર્ગ અને મકાન વિભાગની કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન તેમણે કચેરીના હાજરી પત્રકોની ચકાસણી કરીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરી હતી.
કલેક્ટર દ્વારા સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, વિવિધ ઓનલાઇન પોર્ટલ્સ, દફતર નિભાવણી, હિસાબી કામગીરી, રેકોર્ડ રૂમ તથા વિવિધ શાખાઓની કામગીરીની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમણે કચેરીમાં આવતા અરજદારોના કામ સમયસર થાય અને વહીવટી શિસ્ત જળવાઈ રહે તે અર્થે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.



