મોરબીના જેતપર ગામે મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા એ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું

  જીગ્નેશ મેવાણીની યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી ખેડૂતો થાંભલા નાખવા નહિ દેવાની ચીમકી

 

 

મંત્રી કાંતિલાલ અમૃતિયાના વતન મોરબીના જેતપર ગામે નાખવામાં આવી રહેલ વીજ લાઈન સામેના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે. ખેડૂતો પોતાના હક્કના વળતર માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે, ત્યારે મંત્રી કાંતિલાલ અમૃતિયાના સગા ભાઈ રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયાએ આ આંદોલનમાં ખેડૂતોના સમર્થનમાં આવી પોતાની પ્રતિક્રિયામાં યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે તેવું જણાવ્યું છે

 

મોરબીના જેતપર ગામે ખેડૂતો વીજ કંપની સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે ગુરુવાર રાત્રીના રામધુનનું આયોજન ગામના ચોકમાં કરવામાં જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ભેગા થયા હતા અને તબલાના તાલે રામધુન કર્યા બાદ અલગ અલગ આગેવાનો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હોય દરમિયાન મંત્રી કાંતિ અમૃતિયાના સગાભાઈ રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયાએ ખેડૂતોને લડી લેવા આહ્વાન કર્યું હતું અને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે કંપની વાળાને કહી દીધું કે જેને આવું હોય તે આવી જાય હવે યમરાજ ને આવું હોય તો પણ આવી જાય પાડો હું હાંકી લઈશ,હવે મારે કોઈ સાથે દુશમની નથી ઘરમાં કે ફેમીલીમાં,મારા માટે મારા બાપના ગામ માટે બલિદાન દેવું છે દાતરડા લઈને વાઢવા જવું છે તેવું નિવેદન આપતા હોવાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે

 

મંત્રી અમૃતિયા દ્વારા પણ જેતપર ગામમાં બુધવારે મુલાકાત લીધા બાદ જે કલેકટર કચેરી ખાતે કંપનીના અધિકારીઓ સાથે મીટીંગ યોજવા માટે ખેડૂતોને ખાતરી આપી હતી પરંતુ કલેકટર કચેરી ખાતે કોઈ મીટીંગ યોજાઈ ના હતી અને મંત્રી એ ખાનગીમાં સર્કીટ હાઉસ ખાતે જેતપર ગામના ખેડૂત આંદોલન ચલાવી રહેલા આગેવાનોને બોલાવીને ખાનગી મીટીંગ કરી હતી અને આંદોલન પૂર્ણ કરી દેવા દબાણ કરવામાં આવ્યું હોવાની માહિતી ખાનગી સુત્રો પાસેથી મળી હતી પણ ખેડૂત આગેવાનોએ ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તેમ જણાવી નીકળી ગયા હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે

 

જેતપરની મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જરૂરિયાત કરતા વધુ વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી જો અન્ય રાજ્યોમાં પહોંચાડવાની હોય તો અદાણી, અંબાણી કે પાવર ગ્રીડ જેવી કંપનીઓએ તે રાજ્યોના ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા જોઈએ. ગુજરાતના ખેડૂતો વીજ થાંભલા નાખવાની ના નથી પાડતા, પરંતુ તેમની સ્પષ્ટ માંગણી છે કે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ. 2013 ના જમીન સંપાદન કાયદામાં સ્પષ્ટ ચોખવટ છે કે ખેડૂતોને જંત્રીના બદલે માર્કેટ પ્રાઈસ કરતા 4 ગણા ભાવનું વળતર ચૂકવવું જોઈએ.

વધુમાં મેવાણીએ સરકાર અને પ્રશાસનની કામગીરીની નિંદા કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને યોગ્ય વળતર આપવાના બદલે તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ખેડૂતોને ડિટેન કરવા, મહિલાઓ અને માતાઓને માર મારવો, યુવાનોને પકડવા અને ગંદા શબ્દોનો પ્રયોગ કરી ધમકીઓ આપવામાં આવી રહી છે. જગતના તાત સમાન ખેડૂતોનું આવું અપમાન અને તેમની સાથેની આવી ટીંગાટોળી જરાય ચલાવી લેવાય નહીં.

 

અંતમાં તેઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતો સાથે યોગ્ય વર્તન કરવામાં નહિ આવે અને યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી ગુજરાતના ખેડૂતો વીજ થાંભલા નાખવા નહિ દે. આ મુદ્દે સરકારના કાન ખોલવા માટે આગામી 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ લોકો ખેડૂતોની સાથે ઊભા છે.

Leave A Reply

Your email address will not be published.