


હળવદ શહેરમાં તા. ૨૦/૦૫/૨૦૨૬ના રોજ મેડિકલ એસોસિએશનના આહ્વાન પર મેડિકલ સ્ટોર ધારકો દ્વારા એક દિવસની પ્રતીક હડતાળ પાડવામાં આવી હતી. ઓનલાઈન દવાના વેચાણ સામે વિરોધ નોંધાવવા હળવદના મેડિકલ સ્ટોરોએ પોતાના શટર બંધ રાખતા શહેરમાં દવાના વેપાર પર વ્યાપક અસર જોવા મળી હતી. જોકે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થાના ભાગરૂપે માત્ર બે મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યા હતા જ્યારે બાકીના તમામ સ્ટોરો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા.
હળવદ મેડિકલ એસોસિએશન દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. મેડિકલ વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન દવાના વેચાણથી નાના મેડિકલ સ્ટોર ધારકોના ધંધા પર સીધી અસર પડી રહી છે. સાથે સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્ટાન્ડર્ડ કંપનીનાં મળતા આવતા નામથી દવાઓ વેચાતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.વેપારીઓએ વધુમાં ચિંતા વ્યક્ત કરી હતી કે ઓનલાઈન માધ્યમથી ફર્જી અને ગુણવત્તા વિહોણી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
મેડિકલ એસોસિએશનના સભ્ય રમેશભાઈએ જણાવ્યું હતું કે, “ઓનલાઈન મળતી દવાઓ સંપૂર્ણ ભરોસાપાત્ર હોતી નથી. લોકો સાવચેત રહે અને મેડિકલ સ્ટોર પરથી જ દવાઓ ખરીદવાનો આગ્રહ રાખે.”હડતાળ દરમિયાન મેડિકલ વેપારીઓમાં ભારે એકતા જોવા મળી હતી અને ઓનલાઈન દવાના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
મયુર રાવલ હળવદ




