

હળવદ પોલીસ દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃતિઓ સામે સખત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે ત્રાટકી બે મહિલા સહિત કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૬૨,૩૦૦ સહિત જુગાર રમવાના સાધનો કબ્જે કરી ગણનાપાત્ર જુગારનો ગુનો નોંધ્યો છે.


મળતી માહિતી મુજબ પ્રોહી-જુગાર જેવી અસામાજિક પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ગોલાસણ ગામે ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયાના રહેણાંક મકાન પર રેઇડ કરવામાં આવી હતી.
પોલીસ રેઇડ દરમિયાન સ્થળ પરથી બે મહિલા અને ચાર પુરુષો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડ રકમ રૂ.૬૨,૩૦૦ તેમજ ગંજીપત્તાના ૫૨ પાનાનો જથ્થો કબ્જે કર્યો હતો. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા, મીનાબેન મનસુખભાઈ બોરાણીયા, મનસુખભાઈ હિરાભાઈ બોરાણીયા, સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા, જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા અને દિપકભાઈ કેશાભાઈ વરાણીયાનો સમાવેશ થાય છે.