

મોરબી જિલ્લામાં છેલ્લા ૨ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ થઈ છે. જેને પગલે ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘકહેરના દર્શ્યો જોવા મળી રહ્યા છે.
ગત રાત્રીના ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. જ્યાં મોરબીના શહેરના રવાપર રોડ,લાતી પ્લોટ, શનાળા રોડ, રવાપર ગામ સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. ભારે વરસાદને શહેરના માર્ગો પર પાણી ભરાતા પગલે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. જિલ્લાના ડેમોના ઉપરવાસમાં સારો એવો વરસાદ પડ્યો હોય જેને પગલે મચ્છુ ડેમમાં પાણીની આવક નોંધાઇ છે. જેમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમાં પણ ૩૨૩૮ ક્યુસેક પાણીની આવક થઈ છે. અને ૩૧૦૫એમસીએફટી ક્ષમતાના આ ડેમમાં હાલ ૯૦૧ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે.વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. મન મૂકીને વરસતા વરસાદથી લોક હૈયા પુલકિત થયા છે.
નોંધનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જિલ્લામાં વરસી રહેલા મેઘરાજાના હેત અંગે મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમની સત્તાવાર યાદી જહેર કરેલ છે. જેના અનુસાર મોરબીમાં ૧૨૧ મીમી, ટંકારામાં ૪૧ મીમી, વાંકાનેરમાં ૨૩ મીમી, હળવદમાં ૪૨ મીમી અને માળીયા ૧ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. મોરબી શહેરમાં અને તાલુકાના રાત્રીના ૨ થી ૪ વાગ્યા સુધીમાં ૯૩ મીમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે માળીયાના હજનારીથી કુંતાસી ગામ જતા લોકો રસ્તામાં ફસાયા હતા. જ્યાં નાળા પર વોકળાનું પાણી આવી જતા રસ્તા નદી બન્યા હતા જેને પગલે લોકોની આવનજાવન અટકી હતી અને
નાળાની બંને બાજુ લોકો પાણી ઉતારવાની રાહ જોઈ રહ્યા છે. એ સમયે એક ડેડબોડી પણ બે કલાક સુધી ફસાઈ હતી. જે બાદ તેને ટ્રેકટરના સહારે લઈ જવાઈ હતી.




