માળિયા હાઈવે પર ભરતનગર નજીક ડમ્પરમાં અચાનક ભીષણ આગ: મોરબી ફાયર ટીમે ત્વરિત આગ પર કાબુ મેળવ્યો

મોરબીના ભરતનગર નજીક માળિયા હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ડમ્પરમાં ગઈકાલે બપોરે અચાનક આગ ભડકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે તારીખ ૧૯ જુલાઈના રોજ મોરબી ફાયર વિભાગને આગ અને રેસ્ક્યૂ અંગેનો કોલ મળ્યા હતો. બપોરે ૧૨:૪૫ વાગ્યાના અરસામાં માળિયા હાઈવે પર ભરતનગર પાસે એક ડમ્પરમાં આગ લાગવાનો કોલ મળતા જ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ટીમે સમયસૂચકતા વાપરીને પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં જ આગને સંપૂર્ણપણે ઓલવી નાખી હતી. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીના કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ કાબુમાં આવી ગઈ હતી અને સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેથી સ્થાનિકો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave A Reply

Your email address will not be published.