



મોરબી તાલુકા વિસ્તારમાં ૧૫ વર્ષ ૯ માસની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ મોરબી પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલના પુરાવા અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો અને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા સાથે રૂ ૨૧,૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૬-૦૬-૨૦૨૨ ના રોજ ફરિયાદીની ૧૫ વર્ષ ૯ માસની સગીર વયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી જાતીય સતામણી કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો અને ભોગ બનનાર સગીરા સાથે વારંવાર જાતીય પ્રવેશ હુમલો કરી દુષ્કર્મ આચર્યું હતું મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ- દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો
જે કેસ અધિક જજ (પોક્સો) અને બીજા અધિક સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ એન ડી કારીઆએ કોર્ટમાં ૧૫ મૌખિક પુરાવા અને ૨૮ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા તેમજ ધારદાર દલીલો રજુ કરી હતી જેને કોર્ટે માન્ય રાખી આરોપી બળદેવ ઉર્ફે સુરેશ મુળજીભાઈ શેખવાને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ મુજબ ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦૦૦ દંડ, કલમ ૩૬૬ મુજબ ગુનામાં ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૩૦૦૦ દંડ, કલમ ૩૭૬ (૨) (જે) મુજબ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે
તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૩) અન્વયે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ અને જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૫ (એલ) ની સાથે વાંચતા કલમ ૬ અન્વયે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે તેમજ પોક્સો કલમ ૧૮ અન્વયે ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૫૦૦ દંડ ફટકાર્યો છે જે તમામ સજા એકસાથે ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે તેમજ ભોગ બનનારને ગુજરાતની ભોગ બનનાર વળતર યોજના હેઠળ રૂ ૪ લાખ અને આરોપી દંડની રકમ ભરે તે રૂ ૨૧,૫૦૦ સહીત કુલ રૂ ૪,૨૧,૫૦૦ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે