મોરબીના વાવડી રોડ પર વર્લી-મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર દરોડો પાડી જાહેરમાં વર્લી-મટકાના આંકડાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી મોબાઈલ ફોન દ્વારા અન્ય એક શખ્સ સાથે સંપર્કમાં રહી નસીબ આધારિત આંકડા લખી જુગાર રમી રહ્યો હતો. પોલીસે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, વાવડી રોડ પર કે.જી.એમ. પાર્ક પાસે યુસુફ ઉર્ફે જુસબ રહીમભાઇ સમાણી નામનો શખ્સ વર્લી-મટકાનો જુગાર રમી રહ્યો હતો. પોલીસે રેઇડ દરમિયાન આરોપીને રૂ. ૫,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોન અને રોકડા રૂ. ૭૮૦ મળી કુલ રૂ. ૫,૭૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આરોપી હારૂન ગુલામરસુલ મિયાણા નામના શખ્સ સાથે ફોન પર આંકડા લખાવી જુગાર રમતો હતો. પોલીસે હાલ એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.