




હળવદ નગરપાલિકાના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન મહેશભાઈ બાવલભાઈ કણઝરીયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં નગરપાલિકાના આંતરિક વહીવટ સામે અનેક સવાલો ઊભા થયા છે.
તા. 21 નવેમ્બર, 2026ના રોજ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં મહેશભાઈ કણઝરીયાએ પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. 25 માર્ચ, 2025ના રોજ સામાન્ય સભાના ઠરાવ નંબર-4થી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમને કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જોકે, ચેરમેન તરીકેની જવાબદારી સોંપાયા બાદ પણ સમિતિને મળવાપાત્ર સત્તા અને અધિકારોનો યોગ્ય અમલ થતો ન હોવાની ગંભીર રજૂઆત તેમણે કરી છે. ખાસ કરીને વિવિધ ટેન્ડરો, કામગીરીનાં બિલો તથા અન્ય ખર્ચનાં બિલો નિયમ મુજબ મંજૂર કરવાની બાબતમાં છેલ્લા ચાર મહિનાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વધુમાં, નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કારોબારી સમિતિને મળવાપાત્ર સત્તાઓ હોવા છતાં વિવિધ કામોનાં ભાવ અને ખર્ચનાં બિલો મંજૂર કરવા અંગે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે કારોબારી સમિતિની રચના અને તેના નિયમોને લઈને પણ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. આ ઉપરાંત ચેરમેન તરીકે નિયુક્તિ થયા બાદ પણ તેમને હોદ્દાને અનુરૂપ માન-સન્માન કે કામગીરીની તક આપવામાં આવી ન હોવાની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે.
અંતે મહેશભાઈ કણઝરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કારોબારી સમિતિની રચના યોગ્ય રીતે કરવામાં આવી ન હોય અને ચેરમેન પદનો કોઈ ઉપયોગ જ ન રહેતો હોય તો આવા હોદ્દા પર રહેવાનો કોઈ અર્થ નથી. જેથી તેમણે કારોબારી ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. હવે સવાલ એ છે કે હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિને ખરેખર કેટલી સત્તા છે? ચેરમેનની રજૂઆતો છતાં ચાર મહિના સુધી બિલો મંજૂર કેમ ન થયાં? અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દા પ્રમાણે અધિકાર તથા સન્માન કેમ મળતું નથી? ચેરમેનના રાજીનામા બાદ હવે નગરપાલિકાના સત્તાધીશો આ મામલે શું વલણ અપનાવે છે અને રાજીનામું સ્વીકારવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. હાલ આ ઘટનાએ હળવદના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
