GAS દ્વારા મોટા પાયે બઢતી- બદલી: મોરબીના ત્રણ વહીવટી અધિકારીઓને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યના ગુજરાત વહીવટી સેવા (GAS) ના અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશો અંતર્ગત મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ વહીવટી અધિકારીઓને ક્લાસ-૧ (જ્યુનિયર સ્કેલ) માંથી ક્લાસ-૧ (સીનિયર સ્કેલ) માં બઢતી આપવામાં આવી છે અને સાથે જ તેમની બદલી કરવામાં આવી છે. જોકે, આ જાહેરનામામાં મોરબી ખાતે ખાલી પડેલી જગ્યાઓ પર હાલ કોઈ નવા અધિકારીની નિમણૂક દર્શાવવામાં આવી નથી.

બઢતી મેળવનારા અધિકારીઓમાં મોરબીના વાંકાનેર ખાતે પ્રાંત અધિકારી તરીકે કાર્યરત વી.ડી. સાકરિયાની બઢતી સાથે સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર-૧ તરીકે ફરજ બજાવતા યુ.એમ. પટેલને પણ સીનિયર સ્કેલમાં પ્રમોશન આપીને અમદાવાદ ખાતે નવી ઊભી કરાયેલી અધિક કલેક્ટરની જગ્યા પર મૂકવામાં આવ્યા છે.

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપતા કે.આર. વાળાને પણ બઢતીનો લાભ મળ્યો છે. પ્રમોશન બાદ તેમની બદલી ગાંધીનગર ખાતે ‘ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ માં મુખ્ય વહીવટી અધિકારીનાં પદ પર કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મોરબીના મહેસૂલી અને વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળશે, જ્યારે પ્રમોશન મેળવનાર ત્રણેય અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.