

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ એક યુવાન પર છરી વડે હુમલો થયો હતો. અયોધ્યાપુરી રોડ પર રહેતા ૧૯ વર્ષીય શ્રમિક યુવાનને આંતરીને બે શખ્સોએ માર મારી ઇજાઓ પહોંચાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, ફરિયાદી જુબેરભાઇ રજાકભાઇ રાજા લાતી પ્લોટ શેરી નંબર ૭ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી સમીર ઉર્ફે સમલો મોવર અને તેના ફુઈના દીકરા સોહિલે તેમને અટકાવ્યા હતા. ‘મારા ફુઈના દીકરાને કાતરો કેમ મારે છે?’ તેમ કહી આરોપીઓએ ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન સમીરે જુબેરના વાળ પકડી પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે સોહિલે તેને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી નીચે પાડી દીધો હતો. હુમલાખોર સમીરે ત્યારબાદ જુબેરને ડાબા ભાગે છરીનો બીજો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટના અંગે પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ અને મારપીટનો ગુનો નોંધી આરોપી સમીરની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.




