મોરબી મહાનગરપાલિકામાં ૧૩ કર્મચારીઓની ખોટી હાજરી પૂરી પગાર પડાવતા ૮ શખ્સો સામે ફરિયાદ

                મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓએ અન્ય કર્મચારીઓની જાણ બહાર ઇલેક્ટ્રિક એટેન્ડન્સ મશીનમાં ખોટી રીતે હાજરી પુરાવી આર્થિક ઉચાપત કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં ફરજ બજાવતા દિપભાઇ સુરેશભાઇ ફળદુએ આ મામલે આઠ શખ્સો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો મુજબ, મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં આરોપી મંદીપ ચાવડા, વિમલભાઇ બાવળીયા, અભયભાઇ છબીલભાઇ ચૌહાણ, સુનીલભાઇ ભરતભાઇ મકવાણા, રોહીતભાઇ ધીરુભાઇ, લલીતભાઇ કુમાર ચાવડા, સંજયભાઇ ઘનશ્યામભાઇ ચાવડા, રાજેશભાઇ વગેરે કર્મચારીઓએ અન્ય રોજમદાર કર્મચારીઓની ગેરહાજરીમાં તેઓના નામની ખોટી આંગળીઓ અને અંગૂઠા લગાવી એટેન્ડન્સ મશીનમાં હાજરી પુરી હતી. આ રીતે આરોપીઓએ કુલ ૧૩ જેટલા રોજમદારોની ખોટી હાજરી દર્શાવી અંદાજે રૂ. ૯,૭૫૫ ના પગારની રકમ મેળવી લઇ વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.