

ભરતનગર, તા. 25 સપ્ટેમ્બર 2026: વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા PHC ભરતનગર ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સ્થાનિક લોકોના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબીનની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓ દ્વારા લોકોને આરોગ્ય જાળવણી અને નિયમિત આરોગ્ય તપાસના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવી હતી અને એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી કે અયોગ્ય ઉપયોગ ન કરવા તથા તબીબી સલાહ મુજબ જ તેનો ઉપયોગ કરવા અંગે સમજણ આપી હતી. આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની તક મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્સ્ટિટ્યૂટના જલ્પા મેડમ, ડેનિશા મેડમ, અરુણ સર, વિજય સર અને શ્વેતા મેડમનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો
તેમજ PHC ભરતનગરના સમગ્ર સ્ટાફનો પણ સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન ઇન્સ્ટિટ્યૂટના હેડ મહર્ષિ પંડ્યાની દેખરેખ હેઠળ થયું હતું. શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી તથા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન થતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.



