

‘વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ,’’ ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિને ચરિતાર્થ કરવાનું કામ રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં કર્યું છે. મોરબીનાં પાદરમાં આવેલા મચ્છુ (2) ડેમનાં કાંઠે શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીનમાં વર્ષ 2025માં દસ લાખ વૃક્ષો વાવીને ઉછેરવામાં કાંતિલાલ અમૃતિયાએ પરસેવો રેડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મદિવસે આ વન કવચ (નમો વન)નું રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ થયુ હતું. આઠ મહિના પહેલા જે વિસ્તાર વેરાન વગડો હતો ત્યાં અત્યારે વનરાજી ખીલી ઉઠી છે.
“કાનાભાઈ”નાં હુલામણા નામથી જાણીતા કાંતિલાલ અમૃતિયા સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટનાં એક ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ પાસે 4500 વીઘા જમીન છે. પર્યાવરણને બચાવવા આપણે કંઇક દાખલારૂપ કરવું જોઇએ એ વિચારથી કાંતિલાલ અમૃતિયાએ ભગીરથ કાર્ય હાથ પર લીધુ અને ગુજરાતનું સૌથી મોટુ ‘વન કવચ’ (નમો વન) બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. મચ્છુ ડેમ (2)ના કાંઠે આવેલી ટ્રસ્ટની 1200 વીધા જમીનમાં દસ લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ અભિયાન શરૂ કર્યુ. મચ્છુ કાંઠે આ પહેલા મચ્છુ ડેમનાં કાંઠે આઠ જેટલા ચેકડેમ બનાવી જળસંચયનું કામ તો કર્યુ જ છે.
500 લોકોએ રોજ 25 થી 30 હજાર વૃક્ષો વાવ્યાં
“જ્યારે અમે એક મહિનામાં દસ લાખ રોપાઓ વાવવાનો નિર્ણય કર્યો ત્યારે વૃક્ષારોપણ માટે મોટુ કારત કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમની મદદથી વિગતવાર આયોજન કર્યું, ” અભિયાનનાં પ્રારંભિક તબક્કાની યાદોને તાજી કરતાં શ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું. “અમારા આ યજ્ઞમાં સદભાવના વૃદ્ધાશ્રમને જોડ્યું. જમીન પડતર હતી એટલે સૌથી પહેલા તેને સમથળ કરી. માટીની ગુણવત્તા સુધારવા બહારથી હજ્જારો ટન સારી માટી અહીં ઠાલવી. મોટી માત્રામાં છાણીયું ખાત્તર નાંખી જમીનને ફળદ્રુપ બનાવી. 1200 વીઘા જમીનની ફરતે રફ ફેન્સિગ કર્યું. આ પછી વૃક્ષારોપણ માટે એક સાથે 500 માણસો જોડ્યા. રોજ અંદાજે 25 થી 30 હજાર વૃક્ષો વાવવાનું ભગીરથ કામ હાથ ધર્યું. માત્ર 37 દિવસનાં અથાક પ્રયત્નનાં અંતે અમે 10 લાખ વૃક્ષો વાવ્યા,’’ શ્રી કાંતિલાલ અમૃતિયાએ વધુમાં જણાવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઇકોનિક રોડ બનાવવા ત્રણ કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવી
“મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ અમારા કાર્યમાં અંગત રસ લીધો છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં તેમણે બીજી વખત ‘નમો વન’ની મુલાકાત લીધી અને આ વન કવચ સુધી લોકો આવી શકે તે માટે આઇકોનિક રોડ બનાવવા માટે રૂ 3 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે,’’ કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું.
કાંતિલાલે કેન્સરને હરાવ્યુ, હવે શેષ જીવન પ્રકૃતિને સમર્પિત
64 વર્ષીય કાંતિલાલ અમૃતિયાને તાજેતરમાં જ કેન્સરનું નિદાન થતા સર્જરી કરાવી છે. સામાન્ય માણસ કેન્સરનાં નામથી હારી જાય પણ કાંતિલાલ એમાનાં નથી. પાંચ કિમોથેરાપી પુરી કરી હાલ ઇમ્યુનોથેરાપી લઇ રહેલા કાંતિલાલ અમૃતિયાએ લોકસંપર્ક ઘટાડ્યો નથી. તેમણે કહ્યું કે, આ કેન્સરથી બચાવી, કુદરતે મને બીજુ જીવન આપ્યું છે અને આ બીજુ જીવન પ્રકૃતિને સમર્પિત કરવા માંગુ છું.
“કેન્સરની સર્જરી પછી મને એવું લાગે છે કે કુદરતે મને બીજુ જીવન આપ્યું છે. હવે હું પ્રાકૃતિક ખેતી, અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવા માટે જીવન સમર્પિત કરવા માંગું છું. અમે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન ફાળવવાની માંગ કરી છે, જેથી ત્યાં પણ આ પ્રકારનું વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી શકાય,” છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કાંતિલાલ અમૃતિયાએ શેષ જીવનનો મર્મ સમજાવતા કહ્યું.






