

પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુની ભક્તિ અને આરાધનાનું પર્વ. આ મહિના દરમિયાન જે લોકો પૂજા, પાઠ, ભક્તિ, જપ, દાન કરશે તેને તુરંત ફળ મળે છે. ત્યારે આજે અમે મોરબી શહેરની એક એવી સોસાયટીની વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં પુરુષોત્તમ માસ દરમિયાન દૈનિક 100 જેટલી મહિલાઓ એકઠી થાય છે અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને તેમની ભક્તિમાં લિન થાય છે. આ પરંપરા છેલ્લા 40 વર્ષથી ચાલતી આવે છે.

વાત થઈ રહી છે મોરબીની સોમનાથ સોસાયટીની જ્યાં આજથી 40 વર્ષ પહેલા છેલશંકર હરિશંકર વ્યાસ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે સોમનાથ સોસાયટી ખાતે ભગવાન વિષ્ણુની ભક્તિ પૂજા અને આરાધના કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. જેમાં સોસાયટીની 100 જેટલી મહિલાઓ એકઠી થાય છે અને ગોકુળની ગોપીની માફક તેઓ ભગવાન વિષ્ણુની ભક્તિ ભાવપૂર્વક આરાધના કરે છે.તેમની આરાધના નિહાળીએ તો સોસાયટી નો કોમન પ્લોટ એ ગોકુળિયું ધામ બની ગયું હોય તેવો માહોલ ત્યાં જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આજે પણ છેલશંકર વ્યાસના પરિવાર દ્વારા આ સંપૂર્ણ પરંપરાને આ જ પ્રકારે યથાવત રાખવામાં આવી છે. તેમના પુત્ર રસિકભાઈ દ્વારા પૂજન અર્ચનની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે. તો તેમના પુત્ર વધુ દ્વારા મહિલાઓ સાથે ભક્તિ ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કમલેશ સોસાયટીમાં થતા આ ભક્તિ ભાવના આયોજન અંગેની વાત કરીએ તો સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે જે બાદ બપોરના સમયે મહિલાઓ દ્વારા ધૂન ભજનનું આયોજન કરવામાં આવે છે. તો સાથોસાથ ભગવાન વિષ્ણુને આ સંપૂર્ણ પુરુષોત્તમ માસ દરમિયાન નવા નવા શણગાર કરવામાં આવે છે અને તેમને પ્રસાદ ધરીને સર્વે ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે.
લોક માન્યતા અનુસાર પુરુષોત્તમ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ પોતે સ્વયં પૃથ્વી ઉપર નિવાસ કરે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ પૂરા 30 દિવસનો છે. પુરુષોત્તમ મહિના દરમિયાન સાત ધાન્યના સાથિયા પૂરાવા, મંડળ પૂરવું, ધાન્ય દાન, વચ્ચે દાન તથા જીવન જરૂરી ચીજવસ્તુનું દાન દેવું તુરંત ફળદાયી રહે છે. આખો પુરુષોત્તમ મહિના દરમિયાન પુરુષોત્તમ માસની કથા સાંભળવી પણ ફળદાયી છે. ત્યારે મોરબી શહેરની સોમનાથ સોસાયટીમાં થતી આ ઉજવણી પવિત્ર પુરુષોત્તમ માસને પરિભાષિત કરે છે.