




ટંકારાની લતીપર ચોકડી પાસે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ લોખંડના પાઈપ, ધોકા અને કુહાડી જેવા હથિયારોથી એક પરિવાર દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ટંકારા પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર,ટંકારાના ગોકુલનગરમાં રહેતા ફરિયાદી કનુભાઈ મસરૂભાઈ ઝાપડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં મહેશ હમીરભાઇ ટોળીયા, હિતેશ અમીતભાઇ ટોળીયા, શુભમ ગોવિંદભાઇ ટોળીયા, નકુલ હિતેશભાઇ ટોળીયા, હમીર સગરામભાઇ ટોળીયા, રાણાભાઇ સગરામભાઇ ટોળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના ભત્રીજા ધવલે આરોપી મહેશ ટોળિયાને ફટાકડા દૂર ફોડવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ લતીપર ચોકડી નજીક બેઠેલા ફરિયાદી અને તેમના ભત્રીજા પર હુમલો કર્યો હતો. જેમાં આરોપી શુભમ ગોવિંદભાઈ ટોળિયાએ ધવલની પીઠના ભાગે કુહાડીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય આરોપીઓએ લોખંડના પાઈપથી માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર માને લઈને ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
