

હળવદ તાલુકામાં ચૂંટણી પૂર્વે કાયદો-સુવ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી, ચૂંટણી પહેલા હળવદ પોલીસનો સપાટો: કેદારીયા સીમ વિસ્તારમાંથી ૩૨૪ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
હળવદ તાલુકામાં ચૂંટણી પૂર્વે કાયદો-સુવ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને હળવદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, હળવદ પી.આઈ. આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમ વિસ્તારમાં, બુસલી રોડ પર આવેલ વોંકળાના કાંઠે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્યાં સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૩૨૪ બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા ૧,૫૧,૨૦૦ ગણવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં (૧) નારાયણ નાનજીભાઈ સોનગ્રા (દલવાડી), રહે. રણજીતગઢ, તા. હળવદ, જી. મોરબી અને (૨) કાંતીલાલ મનસુખભાઈ કણઝરીયા (દલવાડી), રહે. રણજીતગઢ, તા. હળવદ, જી. મોરબી,પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરી હળવદ પી.આઈ. આર.ટી. વ્યાસ તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
મયુર રાવલ હળવદ


