

હળવદના મયાપુર ગામની સીમમાં વડીલોપાર્જિત જમીન ખાલી કરાવવાના મુદ્દે એક દંપતી પર જીવલેણ હુમલો થયો હતો. કોર્ટ કેસ ચાલતો હોવા છતાં જમીન પર કબજો જમાવવાના ઇરાદે આવેલા શખ્સોએ ખેડૂત અને તેમની પત્નીને લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે બેફામ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, મયાપુરના ખેડૂત બળદેવભાઈ ભુદરભાઇ કણઝરીયા અને તેમના પત્ની રમીલાબેન પોતાની વાડીએ ખેતીકામ કરતા હતા, ત્યારે હળવદના દિલીપ ધરમશીભાઈ પટેલ અને મુના ભરવાડ ગાડીઓના કાફલા અને ટ્રેક્ટર સાથે ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ ‘આ ખેતર અમારું છે, ખાલી કરી દો’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ખેડૂતે જમીનનો કોર્ટ કેસ ચાલુ હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા દિલીપ પટેલ અને મુના ભરવાડે લાકડાના ધોકા વડે દંપતીને માર માર્યો હતો, જ્યારે તેમની સાથે આવેલા અન્ય ચાર અજાણ્યા શખ્સોએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરોએ જતી વખતે ‘જો ખેતર ખાલી નહીં કરો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. ગ્રામજનો અને પોલીસ આવી પહોંચતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


