

મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ મથકની ટીમે વજેપર વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના રહેણાંક મકાનમાં પાસ કે પરમિટ વગર ગેરકાયદેસર રીતે દારૂનો સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.
ઘટનાની વિગતો મુજબ, પોલીસે વજેપર શેરી નં-13માં આવેલી સસ્તા અનાજની દુકાન વાળી શેરીમાં જગદીશભાઇ ગંગારામભાઇ બાંભણીયાના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મકાનની તપાસ દરમિયાન પોલીસને વિદેશી દારૂની કુલ 23 બોટલો મળી આવી હતી. જેમાં ૨૨૮૦ની કિંમતની ૧૮૦ એમ.એલ.ની જામુન વોડકાની ૧૯ બોટલો અને ૫૨૦૦ની કિંમતની ૭૫૦ એમ.એલ.ની ઓરેન્જ ફ્લેવર વોડકાની ૪ બોટલોનો સમાવેશ થાય છે. પોલીસે કુલ ૭૪૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાજર નહીં મળી આવેલા આરોપી જગદીશ બાંભણીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




