

હિન્દૂ ધર્મના પવિત્ર અને ઇમાનના તાજ સમાન રામાયણના રચિયતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની આજે જન્મજયંતીની તેમના નામ સાથે જોડાણ ધરાવતા વાલ્મિકી સમાજનું આત્મ સન્માન અને સ્વાભિમાન જળવાઈ રહે તે રીતે ઉજવણી કરીને મોરબીના ઇન્ડિયા ગ્રુપ દ્વારા સર્વ સમાજને એકતા અને સમાનતાનો બોધપાઠ આપ્યો છે. આ આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકિ સમાજના ઉત્થાન માટે વિશેષ કાર્યો કરી સ્વચ્છતાના સૈનિકો સમાજ અને શહેરને સ્વચ્છ રાખતા હોય એટલે એમના ગંદકી દૂર કરવાના કાર્યથી તેમની ગરિમા અને સ્વાભિમાનને ક્યારેય ઉની આંચ ન આવે તે રીતે દરેકને તેમની સાથે વર્તન કરીને મનમાંથી જાતિવાદી માનસિકતાના પૂર્વગ્રહને ભો માં ભંડારી તેમના અધિકારોનું રક્ષણ કરવા દરેકને સંકલ્પ લઈને આત્મસાત કરવાનો મેસેજ આપ્યો છે.
વાલ્મિકી જયંતિ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મીકિ સમાજનાં બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરી મનપસંદ નાસ્તા સહિત સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું. શહેરની સ્વચ્છતામાં અમૂલ્ય યોગદાન આપતા સફાઈ કર્મયોગીઓનું વિશેષ સન્માન કરાયું હતું. વિવિધ સમાજના લોકોએ એક જ પંગતમાં બેસીને સહભોજન કરી સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. જરૂરિયાતમંદ પરિવારોને આવશ્યક સહાય, યુવાનોને વ્યસનમુક્તિની પ્રેરણા તથા મહર્ષિ વાલ્મીકિજીના જીવનચરિત્ર અને રામાયણના આદર્શો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉજવણીને કાયમી સામાજિક પરિવર્તન સાથે જોડતાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ૨૧ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણની જવાબદારી લેવાનો મહત્વપૂર્ણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનોના સહયોગથી મહિલા સશક્તિકરણ, રોજગાર, સ્વરોજગાર અને શૈક્ષણિક ઉત્થાન માટે વર્ષભર રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.



