

વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા એક યુવાન પર તેના જ સાળા અને અન્ય શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સાત વર્ષ પહેલા કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવાનને લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, રાજકોટના મોરબી રોડ પર રહેતા રવીભાઇ રતાભાઇ ગોગીયા રંગપર ગામે સમૂહ લગ્ન પ્રસંગે આવ્યા હતા. આ દરમિયાન તેમની પત્નીના ભાઈઓ કાળુ મુળુભાઇ જાદવ, દિલીપ મુળુભાઇ જાદવ, રવિ મુળુભાઇ જાદવ અને મયુર ઉર્ફે મહેશ મુળુભાઇ જાદવ તેમજ નરેશ જીવાભાઇ જાદવ નામના શખ્સોએ અગાઉ કરેલા પ્રેમ લગ્ન બાબતે ઝઘડો કર્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી પર લાકડાના ધોકાથી હુમલો કરતા તેમને માથાના ભાગે ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ ‘ટાંટિયા ભાંગી નાખવા’ની અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




