



મોરબીના સિરામિક ઉદ્યોગકારો માથે એક બાદ એક મુશ્કેલીઓ આવી રહી છે.ગેસના ભાવને લઈને રજૂઆત કર્યા બાદ માંડ માંડ સિરામિક ઉધોગ શરુ થયો છે ત્યારે પીજીવીસીએલ દ્વારા સપ્લાઈ થતા વીજ પુરવઠો અવારનવાર ખોરવાઈ હતા મોટી નુકશાની આવી રહી હોવાનું સિરામિક એસોસીએશનના પ્રમુખે વિડીયો જાહેર કરી જણાવ્યું છે
મોરબીના જેતપર રોડ પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વીજળીના ધાંધિયા થઇ રહ્યા છે જેમાં સોમવારે બપોરે ૧:૩૦ વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કલાકો સુધી પાવર ગુલ રહ્યા બાદ જ્યારે પુરવઠો શરૂ થયો તેની ગણતરીની કલાકોમાં જ ફરીથી પાવર ગુલ થતા કારખાનેદારો ત્રાહિમામ પોકારી ગયા છે. જેતપર રોડ પરના બેલા અને ગાળા સબ ડિવિઝન હેઠળ આવતા અંદાજે ૩૪ ફીડરોમાં પાવરની અનિયમિતતાના કારણે ઉધોગકારો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.
સિરામિક એસોસીએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા એ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે રંગપર ગામ પાસે ૬૬ કેવીના અંડરગ્રાઉન્ડ કેબલમાં બ્લાસ્ટ થયો હતો જેને કારણે સોમવારના રોજ વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહ્યો હતો તો મંગળવારના દિવસે પણ ફરી બ્લાસ્ટ થતા વીજ પુરવઠો બંધ થવાના કારણે ઉધોગોને નુકશાન થઇ રહ્યું છે. વીજળી ન હોવાને કારણે કારખાના ચલાવવા માટે ઉદ્યોગકારો પાસે જનરેટર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ હાલમાં ડીઝલની સપ્લાય પર બ્રેક લાગી હોવાના પેટ્રોલ પંપ સંચાલકો બેરલમાં ડીઝલ આપવાની ના પાડી રહ્યા છે. પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કેએક બાજુ પાવર નથી અને બીજી બાજુ જનરેટર ચલાવવા માટે બેરલમાં ડીઝલ મળતું નથી. ગેસની સપ્લાય માંડ પાટા પર આવી હતી ત્યાં હવે વીજળી અને ડીઝલના અભાવે કારખાના ફરી બંધ કરવા પડે તેવી નોબત આવી છે.